Gujarat Weather Alert,Ragasa Typhoon Update: પેસેફિક મહાસાગરમાં સર્જાયેલું રગાસા (RAGASA) નામનું ટાઈફૂન જલદી જ સુપર ટાઈફૂનમાં ફેરવાશે એવી આગાહી કરવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાતોના મતે, આ તોફાન આવતા દિવસોમાં પવનની ઝડપ 230 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. જેના કારણે ફિલિપાઈન્સ, તાઈવાન, ચીન અને હોંગકોંગમાં ભારે વિનાશ સર્જાય તેવી શક્યતા છે.
રાગસા પછી બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય
અથ્રેયા શેટ્ટી સહિતના નિષ્ણાતો માની રહ્યા છે કે, રાગસાના અવશેષો આવતા સપ્તાહે બંગાળની ખાડીમાં બનનારા લો પ્રેશરને બળ આપશે. 25 સપ્ટેમ્બરે આ ખાડીમાં ડિપ્રેશન કે હળવું વાવાઝોડું બનવાની સંભાવના છે. આ સિસ્ટમ પછી ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધીને આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને પછી ગુજરાત સુધી પહોંચે તેવી આગાહી છે.
ગુજરાત પર અસર શું થશે ?
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આ સિસ્ટમ ભારે વરસાદ વરસાવી શકે છે. ખાસ કરીને, સપ્ટેમ્બર અંતિમ સપ્તાહમાં ખેડૂતોને પાકને લઈને નુકસાનની ચિંતા સતાવી રહી છે. હાલમાં ખરીફ પાક કાપણીના તબક્કે છે, આવા સમયમાં ભારે વરસાદ પડવાથી ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે છે.
ખેલૈયાઓ માટે નિરાશાજનક સમાચાર
સોમવારથી નવરાત્રિ ઉત્સવની શરૂઆત થવા જઈ રહી છે. જો આ સિસ્ટમ ખરેખર ગુજરાત સુધી પહોંચશે અને વરસાદ વરસાવશે, તો ખેલૈયાઓના ઉત્સવમાં વિઘ્ન આવી શકે છે.
નોન્ગફા તોફાનની યાદ તાજી
હાલમાં જ સપ્ટેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ચીન સાગરમાં બનેલું નોન્ગફા તોફાન ગુજરાત સુધી પહોંચ્યું હતું. તેના કારણે બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. હવે ફરી એક વખત રાગસા તોફાનના અવશેષો ગુજરાત સુધી પહોંચવાની ચિંતા વધી રહી છે.
Read more – LPG ગેસ સિલિન્ડર સસ્તો થશે ? જાણો 22 સપ્ટેમ્બરથી લાગુ નિયમો